વચનામૃત અશ્લાલીનું - ૧
સંવત ૧૮૮૨ના ચૈત્ર સુદિ ૨ દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ નગરથી વાજતે ગાજતે ચાલ્યા તે સાંજે ગામ શ્રી અશ્લાલીએ પધાર્યા ને ઉત્તરાદિ કોરે ગામથી બહાર આંબાવાડિયામાં ઊતર્યા, ને ત્યાં મંચ ઉપર વિરાજમાન થયા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને કંઠને વિષે સુંદર પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિષે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમે શ્રીજીમહારાજ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક સર્વે સાધુ પ્રત્યે બોલ્યા જે, (૧) સાંભળો એક વાત કરવી છે જે કાંઈક પ્રભુ ભજતાં સમજણમાં ફેર રહે છે તેને ખોટ પણ બહુ મોટી આવે છે ને ભગવાન જે શ્રી પુરુષોત્તમ જેને શ્રીકૃષ્ણ કહીએ, જેને શ્રી વાસુદેવ કહીએ, જેને શ્રી સ્વામિનારાયણ કહીએ, જેને શ્રી નરનારાયણ કહીએ, જેને પરબ્રહ્મ કહીએ, જેને શ્રી નારાયણ કહીએ તેનું સુખ યથાર્થ આવતું નથી અને એકાંતિક ભક્ત થવાતું નથી. માટે જુઓને ! પ્રજાપતિ આદિ દઈને જે જગતના સ્રષ્ટા તે જે તે વારંવાર સૃષ્ટિ ભેળા ઉત્પન્ન થાય છે ને અંતે માયાને વિષે લીન થાય છે, પણ શ્રી પુરુષોત્તમ ભગવાન તેમને સમીપે અક્ષરધામને વિષે એ જાતા જ નથી, તે શા સારુ તો તેમની સમજણમાં ભૂલ છે. (૧)
ત્યારે સર્વે મુનિ બોલ્યા જે, (૨) હે મહારાજ ! એમને વિષે એવી શી જાતની ભૂલ છે તે કહો ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, લ્યો એમની ભૂલ કહીએ તે સાંભળો જે, એક તો પોતપોતાની જે ક્રિયા તેનું બળ સમજે છે અને ભગવાનના આશરાનું ને ભગવાનનું બળ નથી સમજતા, ને બીજું બ્રહ્મરૂપ પોતાને નથી માનતા ને અક્ષરરૂપ થઈને ભગવાન જે શ્રી પુરુષોત્તમનારાયણ તેના દાસપણાને નથી માનતા એ ભૂલ છે, અને ત્રીજું જે રામકૃષ્ણાદિક ભગવાનના અનંત અવતાર તેને તો એ સર્વે અંશ કરીને જાણે છે. એ જ એમને વિષે મોટી ભૂલ છે. અને આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થાતી હશે ? તે એક વાર જોઈએ તો ખરા ! એવો સંકલ્પ પોતાના મનમાં રહ્યો હતો તે સંકલ્પ જોઈને ભગવાને તેમને બ્રહ્માંડની ઉત્પત્તિ કરવા સારુ તે સાથે જોડી દીધા છે, તે બ્રહ્માંડમાં જેટલા જીવ છે તેટલી વાર બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાશે ત્યારે તેનો છૂટકો થાશે ને ત્યારપછી તે સમજણનો ત્યાગ કરીને ભગવાનના સમીપપણાને પામશે. તે સારુ ભગવાનને જાણ્યા પછી ભગવાન વિના બીજું કાંઈ જાણવા ઇચ્છવું નહીં. (૨) અને ભગવાનને ભજીને જે બ્રહ્માંડની ઉત્પત્તિના સામર્થ્યને ઇચ્છે છે તે ભક્ત સામર્થ્યાર્થી કહીએ ને કનિષ્ઠ કહીએ. અને જે કેવળ આત્મારૂપ થઈને ભગવાનને ભજે તે તો કૈવલ્યાર્થી જાણવો ને તે ભક્ત તો મધ્યમ છે. અને ત્રીજો, જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ તેની નિરંતર અનન્યપણે કરીને સેવાને વિષે નિષ્ઠા રાખે તે ભગવત નિષ્ઠાર્થી જાણવો ને એ ભક્ત અતિ શ્રેષ્ઠ છે ને અતિ ઉત્તમ છે, માટે આપણ તો સર્વે પ્રગટ પ્રમાણ શ્રી નરનારાયણ તેની નિષ્ઠાવાળા છીએ. (૩) ઇતિ વચનામૃતમ્ ।।૧।। (૨૨૯)
રહસ્યાર્થ પ્રદી - આમાં પ્રશ્ન (૨) છે. તેમાં (૧) પહેલું કૃપાવાક્ય છે, તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમને ભજતાં સમજણમાં ફેર રહે છે, તેને ખોટ્ય બહુ આવે છે, અને શ્રી પુરુષોત્તમ ભગવાન એવા અમે તે અમારું સુખ યથાર્થ આવતું નથી અને અમારા એકાંતિક ભક્ત થવાતું નથી એવી આ જગતના સ્રષ્ટાની સમજણમાં ભૂલ છે તથા તે અમારા ધામને પામતા નથી. (૧) બીજામાં એ સ્રષ્ટા ઉત્પત્ત્યાદિક પોતાની ક્રિયા તેનું બળ સમજે છે પણ અમારા આશરાનું બળ નથી સમજતા, અને અક્ષરધામરૂપ થઈને અમારા દાસપણાને નથી પામતા, અને રામકૃષ્ણાદિક અમારા અવતારોને અંશ જાણે છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ જોવાનો પૂર્વે સંકલ્પ હતો તેથી અમે તેમને તે ક્રિયામાં જોડી દીધા છે તે એવી સમજણનો ત્યાગ કરશે ત્યારે અમારા સમીપપણાને પામશે. માટે અમારા વિના બીજું કાંઈ જાણવાને ઇચ્છવું નહીં. (૨) અને અમને ભજીને ઐશ્વર્યને ઇચ્છે તે કનિષ્ઠ છે, અને કેવળ આત્મારૂપ થઈને અમને ભજે તે મધ્યમ છે, અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ અમે તે અમારી સેવાને ઇચ્છે તે ઉત્તમ છે. (૩) બાબતો છે.
૧ પ્ર બીજા પ્રશ્નમાં જગતના સ્રષ્ટા રામકૃષ્ણાદિક અવતારોને અંશ કરી જાણે છે એમ કહ્યું તે અંશ કેવી રીતે જાણતા હશે ?
૧ ઉ જે જે અવતારો બ્રહ્માંડોને વિષે પ્રગટ થઈને કાંઈ ઐશ્વર્યને જણાવે છે તે અવતારોને પોતાની સૃષ્ટિમાંના માને છે અને તે અવતારોને વિષે જે ઐશ્વર્ય હોય તેને પોતાનું આપેલું માને છે જે મારું ઐશ્વર્ય તે એમને વિષે આવેલું છે એમ અંશ માને છે. ।।૧।। (૨૨૯)
ઇતિ શ્રી કચ્છદેશે વૃષપુર નિવાસી અનાદિમુક્તરાજ શ્રી અબજીભાઈ વિરચિત
સાક્ષાત્ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મુખકમળ નિઃસૃત
વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાયાં અશ્લાલી વચનામૃતં સમાપ્તમ્